
ભાવનગર, 23 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને પગલે પોલીસ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. શહેરના પોલીસ વડા એસ.પી. નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તથા શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ કાર્યવાહી દરમિયાન શહેરના દીપક ચોક નજીક આવેલા આડોડીયા વિસ્તારમાં ચાર મહિલા બુટલેગરોના રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા એક પુરુષ આરોપીના ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાનો તેમજ ગુનાહિત તત્વોમાં ભયનું માહોલ ઉભું કરવાનો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકો માટે આ સ્પષ્ટ સંદેશ છે કે કાયદાની અવગણના સહન કરવામાં નહીં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT