
જામનગર, 23 માર્ચ (હિ.સ.) : જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીના એરિયામાંથી જી.જે.-9 એ.વી. 9957 નંબરના મોટા હેવી ટ્રકમાં પીપીદાણા નો મોટો જથ્થો ભરીને જિલ્લા બહાર લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ચેલા-ચંગા ગામ પાસે એકાએક ટ્રક પલટી મારી ગયો હતો.
રવિવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઇ હતી, અને આગળ જઈ રહેલી એક કારનાચાલકે એકાએક ગોલાઈ લેતાં ટ્રક ચાલકે પોતાના ટ્રકને બ્રેક મારીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફૂલ લોડેડ હોવાના કારણે રોકાયો ન હતો, અને માર્ગ પર પલટી મારી ગયો હતો.
જેથી તેમાં રહેલો પ્લાસ્ટિકના દાણાનો જથ્થો રોડ ઉપર ઢોળાયો હતો, જ્યારે ટ્રક ના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી.
આ ટ્રક આડે પડખે થયો હોવાથી ચેલા ચંગા રોડ પરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેથી પોલીસ તંત્રએ દોડી જઇ કવાયત કરવી પડી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt