
ભાવનગર, 23 માર્ચ (હિ.સ.) : ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ–૨૦૨૬’માં લાગેલાં ૬૨ સ્ટોલમાં રૂ.૧૦.૩૮ લાખનું વેચાણ થયું. ભાવનગર જિલ્લામાં તા. ૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન યોજાયેલ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ–૨૦૨૬’ને નાગરિકોમાંથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. બે દિવસીય મહોત્સવ દરમિયાન કુલ રૂ.૧૦,૩૭,૬૮૦થી વધુનું વેચાણ નોંધાતાં સ્થાનિક ઉત્પાદકોને ઉત્તેજન મળ્યું હતું.મિલેટ મહોત્સવમાં કુલ ૬૨ સ્ટોલ મારફતે મિલેટ આધારિત વિવિધ ખાદ્યપદાર્થો, ઓર્ગેનિક ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી સંબંધિત વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૭,૫૫૭ થી વધુ નાગરિકોએ મુલાકાત લઈ મહોત્સવને સફળ બનાવ્યો હતો.
પ્રદર્શન સ્ટોલમાં આત્મા પ્રાકૃતિક/બાગાયત વિભાગ, ઓરીજીન ઓર્ગેનિક, આર.ટી. ફૂડઝ, સૌરાષ્ટ્ર હની ફાર્મ, ધ બામ્બૂ હાટ, હની સ્વ સહાય જૂથ, ભાવેણા નેચરલ, સખીગ્રામ હાટ, બાપા સીતારામ મિલેટ, આદર્શ ગૃહ ઉદ્યોગ, શિવ મિલેટ્સ, ભાવેણા મિલ્ક, વેદશ્વિ પ્રાકૃતિક ફાર્મ, પાર્થવી પ્રાકૃતિક ફાર્મ, મૈયામૃત મિલેટ તથા ગૌરશ કુદરતી ખાતર સહિતના સ્ટોલોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વેચાણના આંકડા મુજબ તત્વમ નેચર ડિલાઈટ સ્ટોલે રૂ.૧,૧૭,૦૦૦ ની આવક મેળવી હતી, જ્યારે સાત્વિકવેદા સ્ટોલે રૂ.૫૮૦૦૦, ભાવેણા મિલ્ક સ્ટોલે રૂ.૫૬,૫૦૦, શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ સ્ટોલે રૂ.૩૬,૦૦૦ અને સંજરી હેન્ડીક્રાફ્ટ સ્ટોલે રૂ.૩૨,૫૦૦નું વેચાણ નોંધાવ્યું હતું. મિલેટ મહોત્સવમાં મિલેટ પાસ્તા, મિલેટ સૂપ અને મિલેટ આધારિત ઢોકળા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેને નાગરિકોએ વિશેષ પસંદગી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT