
સુરત, 23 માર્ચ (હિ.સ.)-સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારના વિકાસને વેગ આપવા સાઉથ ઝોન-બી (કનકપુર) ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે રૂ.44.52 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.80 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સાથે કુલ રૂ.124.42 કરોડના જનહિતલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવી.
વોર્ડ નંબર 30 (કનસાડ-સચિન-ઉન-આભવા) વિસ્તારમાં રૂ.35.40 કરોડના ખર્ચે સચિન-નવસારી સ્ટેટ હાઈવે પર આવેલા 90 મીટરના સાતવલ્લા રેલવે ઓવરબ્રિજના વિસ્તૃતિકરણ સહિત રૂ.9.12 કરોડના નવા તળાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શાંતિકુંજ જેવા કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ સાથે જ રૂ.72.71 કરોડના ખર્ચે ઉધના ત્રણ રસ્તા જંકશન અને સર્વોત્તમ હોટલ જંકશન પર ફ્લાયઓવર, રૂ.6.35 કરોડના નવા શાળા ભવન તથા મરામત કામો અને રૂ.84 લાખના ખર્ચે કનસાડ વોર્ડ ઓફિસ સહિતના કુલ રૂ.80 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પ્રસંગે મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધાઓ માટે સતત કાર્યરત છે. સચિનનો ઓવરબ્રિજ પહોળો બનવાથી આશરે 9 લાખ લોકોને સીધો લાભ મળશે, જેના કારણે ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેમજ સમય અને ઇંધણની બચત થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવી શાળાઓ, તળાવો અને આરોગ્ય કેન્દ્રો બનાવાતા કનકપુર સહિત આસપાસના વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. સુરત મહાનગરપાલિકા રોડ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં રોલ મોડલ તરીકે ઉભરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું.
ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇએ સુરતના ઝડપી વિકાસની વાત કરતાં હજીરા થી સચિન સુધીના રૂ.1500 કરોડના માર્ગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં વધુ વિકાસકાર્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, વહીવટદાર મિલિન્દ તોરવણે, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે