
બોટાદ, 24 માર્ચ (હિ.સ.)વિશ્વ ક્ષય દિવસ (24 માર્ચ)ની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લામાં ક્ષયરોગ (ટ્યુબરક્યુલોસિસ) નિવારણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય નિયંત્રણ કચેરી (DTC) દ્વારા શેલ્ટર હોમ બોટાદ ખાતે 100 દિવસીય ક્ષય નિવારણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલી તકે નિદાન સુનિશ્ચિત કરવાનો અને દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. ક્ષયરોગ એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે સારવારયોગ્ય રોગ છે, અને યોગ્ય માર્ગદર્શન તથા સારવારથી તેને નિયંત્રિત કરી શકાય છે તે અંગે લોકોને માહિતગાર કરવું અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ પ્રસંગે માનનીય એચ.જે. બ્રહ્મભટ્ટ સાહેબ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મુખ્ય ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ક્ષયરોગ સામે લડવા માટે માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ સમાજના દરેક વર્ગની સહભાગિતાની જરૂર છે. સમયસર ચકાસણી અને સારવાર દ્વારા આ રોગને મૂળથી નાબૂદ કરી શકાય છે.
કાર્યક્રમમાં CDHOશ્રી, DTOશ્રી, આરોગ્ય અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ક્ષયરોગના લક્ષણો, તેનું નિદાન, સારવાર અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
100 દિવસીય આ અભિયાન દરમિયાન ખાસ કરીને જોખમવાળા વિસ્તારોમાં સર્વે, સ્ક્રીનિંગ અને દર્દીઓની શોધખોળ કરવામાં આવશે. તેમજ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને પોષણ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે.
આ અભિયાનથી બોટાદ જિલ્લામાં ક્ષયરોગ સામે વધુ અસરકારક લડત મળશે અને “ક્ષયમુક્ત ભારત”ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT