
સુરત, 24 માર્ચ (હિ.સ.): કહેવાય છે કે, લોહીના સંબંધોને દુનિયાના કોઈ પણ કાગળ કે કરાર બાંધી શકતા નથી. ખાસ કરીને એક માતા માટે તેના સંતાનોથી દૂર રહેવું એ આજીવન વનવાસ જેવું હોય છે. સુરતના અમરોલી પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) સમક્ષ એક એવો જ કિસ્સો આવ્યો, જ્યાં પ્રેમ, લગ્નોની ગૂંચવણ અને મૈત્રી કરારની વચ્ચે એક માતાનું હૃદય તેમના બાળકો માટે તડપતું હતું. આ વાત છે ગૂંચવાયેલા સંબંધોના સુખદ સમાધાનની.
સામાજિક સંબંધોની ગૂંચવણ અને પારિવારિક વિખવાદો વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને પારિવારિક શાંતિ માટે સુરતનું અમરોલી પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) પરિવારોને જોડવામાં મહત્વનું માધ્યમ બન્યું હતું.
સુરતમાં રહેતા શારદાબેન (નામ બદલ્યું છે)નો દીકરો, જે અગાઉ ત્રણ લગ્ન કરી ચૂક્યો હતો, તેણે ચોથી વાર પ્રેમમાં પડીને લવ-મેરેજ કર્યા. આ વાતની જાણ થતાં તેની ત્રીજી પત્ની પોતાના માસૂમ બાળકોને છોડીને જતી રહી. આ સમયે સામાપક્ષની એક મહિલા, જે પોતે પણ બે બાળકોની માતા હતી, તેણીએ પોતાના પતિ તથા બે સંતાનોનો સાથ છોડી શારદાબેનના દીકરા સાથે ચાર વર્ષથી રહેતી હતી. સમાજની નજરમાં આ સંબંધને કાયદેસર કરવા 'મૈત્રી કરાર' કરવામાં આવ્યા હતા.
મૈત્રી કરારના આધારે નવું ઘર વસ્યું હતું, પણ એ ઘરમાં શાંતિ નહોતી. આ કિસ્સામાં પણ જે મહિલા તેના અગાઉના ઘરના બાળકોને ભૂલી શકી ન હતી, મૈત્રી કરારના કાગળો તેને બાંધી શક્યા પણ તેની મમતાને નહીં. બાળકોની યાદમાં તે વારંવાર છૂપી રીતે તેના પૂર્વ પતિને ફોન કરતી હતી, બાળકોના અવાજ સાંભળતી હતી. આ વાતને લઈને નવા ઘરમાં દરરોજ કંકાસ થતો. પ્રેમ હવે કડવાશમાં બદલાઈ રહ્યો હતો.
જ્યારે આ કંકાસ અસહ્ય બન્યો ત્યારે મામલો અમરોલી PBSC સેન્ટર પહોંચ્યો હતો. સેન્ટર દ્વારા બંને પક્ષોની વ્યક્તિગત અને ગ્રુપ મીટિંગ કરવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જણાયું કે, આ કાયદાકીય લડાઈ સાથે એક સ્ત્રીના મનની મૂંઝવણ છે. વ્યક્તિગત મીટિંગમાં તે મહિલા રડી પડી અને કબૂલાત કરી કે, હું મારા બાળકો વગર રહી શકું તેમ નથી, મને મારો પરિવાર પાછો જોઈએ છે. સેન્ટર દ્વારા જ્યારે મહિલાના પૂર્વ પતિનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પણ બાળકોના ભવિષ્ય માટે પત્નીને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
અરજદાર શારદાબેન અને તેમના પુત્રને પણ સમજાવવામાં આવ્યા કે, કોઈને મરજી વિરુદ્ધ રાખવાથી ઘરમાં માત્ર કંકાસ જ વધશે. અંતે, માનવીય અભિગમ અપનાવી મૈત્રી કરાર રદ કરી અંતે મહિલાને રાજીખુશીથી પોતાના મૂળ પરિવાર અને બાળકો સાથે પુનઃ મિલન કરાયું હતું.
અમરોલી PBSC દ્વારા કરાયેલ ટેલિફોનિક ફોલોઅપમાં જણાયું હતું કે, મહિલા હાલ તેના બાળકો અને પતિ સાથે સુખરૂપ જીવન વિતાવી રહી છે. આમ, એક તૂટતા પરિવારને બચાવી સેન્ટરે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે