
ગીર સોમનાથ, 25 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ પોતાના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કર્યા હતાં. અરજદારો દ્વારા સરકારી જમીનમાં દબાણ હટાવવા બાબત, ગ્રામપંચાયત અન્વયે પ્રશ્નો, માલિકીની જમીનમાં રસ્તો ખૂલ્લો કરવા બાબત, પી.એમ.કિસાન યોજનાના હપ્તાની સહાય ન મળવા અંગે, સીમ વિસ્તારનો રસ્તો ખૂલ્લો કરવા, ગૌચરની જમીન, અનધિકૃત બાંધકામ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. તમામ અરજદારોના પ્રશ્નો ધ્યાનથી સાંભળીને કલેક્ટરએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને અરજદારોએ રજૂ કરેલા પ્રશ્નોના તાત્કાલિક નિકાલ લાવવા માર્ગદર્શન સહિત ઉકેલ માટેની સૂચનાઓ આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યકમના વણઉકેલાયેલા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. “સ્વાગત” કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને પારદર્શક પદ્ધતિથી ઝડપી નિવારણ મેળવવાની સગવડ ઉપલબ્ધ થતી હોવાને કારણે પોતાની સમસ્યાઓનો ઉકેલ આવતાં અરજદારોએ સંતોષ વ્યક્ત કરી કલેકટરનો અભાર માન્યો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ