
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આવનારા ચૈત્રી પૂનમના મેળા પહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ટ્રેન સેવા શરૂ કરવાની માંગ ઉગ્ર બની રહી છે. આ મુદ્દે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મામલતદારને આવેદનપત્ર પાઠવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે દર વર્ષે ચૈત્રી પૂનમના મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બહુચરાજી મંદિરે ઉમટી પડે છે. જોકે, હાલ ટ્રેન સેવા બંધ હોવાથી દૂરદૂરથી આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર પરિવહનની અછતને કારણે ભક્તોમાં અસંતોષ વધી રહ્યો છે.
ભરતજી ઠાકોરે ચેતવણી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક ટ્રેન સેવા શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે રેલવે ટ્રેક પર મારુતિ કંપનીની ટ્રેન ચાલી શકે છે તો સામાન્ય મુસાફરો માટે ટ્રેન કેમ શરૂ નથી કરવામાં આવતી તે સવાલ ઊભો થાય છે.
આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને મેળા પહેલા ટ્રેન સેવા શરૂ થાય તેવી ભક્તોમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR