
સુરત, 24 માર્ચ (હિ.સ.) સુરતના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં સોમવારે એક ગંભીર ઘટના સામે આવી, જ્યાં 51 મુસાફરોને લઈને જતી એસટી બસ અચાનક ચાલતી હાલતમાં આગની ઝપેટમાં આવી ગઈ. જલારામ ફર્નિચર નજીક બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભય અને અફરાતફરીનું માહોલ સર્જી દીધો હતો. થોડા જ સમયમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરીને આખી બસને ખાખ કરી નાખી હતી.
બસમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં જ ડ્રાઈવરે ચેતવણી આપી અને તરત જ બસ રસ્તા વચ્ચે ઉભી રાખી દીધી. તેણે એક ક્ષણ પણ વેડફ્યા વગર તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા. મુસાફરો બસમાંથી બહાર નીકળ્યા ત્યારબાદ જ આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
આ ઘટના સ્થળ પાસે પેટ્રોલ પંપ હોવાને કારણે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. ટ્રાફિકની ભારે ભીડને કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી અને ગાડીઓને રોંગ સાઇડથી જવું પડ્યું હતું. જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચી હોત તો સ્થિતિ વધુ ભયાનક બની શકતી હતી.
ફાયર વિભાગે ભારે મહેનત બાદ અંદાજે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવર સાઈડમાંથી સ્પાર્ક થતાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સદભાગ્યે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે