
જૂનાગઢ 24 માર્ચ (હિ.સ.) રાજ્યમાં આગામી 27 થી 30 માર્ચ દરમિયાન માવઠા તથા કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાગાયતી પાકોમાં તકેદારી રાખવા માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
ખેડૂતોએ ખેતરમાં પરિપક્વ થયેલ ફળ અને શાકભાજી સહિતના પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક અને તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા ઉપરાંત વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો અને આ સમયગાળા પૂરતો કોઈપણ રાસાયણિક કે સેન્દ્રીય ખાતરો, હોર્મોન્સ તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
વાદળછાયા વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે, જેના નિયંત્રણ માટે બગીચામાં સતત અવલોકન કરવું જરૂરી છે. જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ 5 % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર 1000 લીટર પાણીમાં 1 કિલો ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત ચુસીયા જીવાતો કે મગિયા ઈયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર 40 + 4 ઈ.સી. 1 લીટર પ્રતિ 1000 લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
આંબાના પાકમાં માવઠાને કારણે કેરીનું ખરણ તેમજ ફળ ઉપર પાણી પડતા કાળા ડાઘ પડવાની શક્યતા રહે છે. જેની આગમચેતીના પગલાં રૂપે ખરણ અટકાવવા માટે NAA 20 પીપીએમ + 2 % યુરિયાનો છંટકાવ કરવો તેમજ ભેજવાળા વાતાવરણને કારણે થતા ફૂગજન્ય રોગ અટકાવવા માટે બાવીસ્ટીન 10 ગ્રામ પ્રતિ 10 લિટર મુજબ છાંટવું જોઈએ.
ચીકુના પાકમાં હાલ કાપણી ચાલુ હોવાથી આ સમય દરમિયાન વાવાઝોડું /કમોસમી વરસાદ આવે તો પાકટ ફળોનું ખરણ થવાની શક્યતાઓ રહેશે. તેને અટકાવવા માટે ખરી ગયેલા ફળો તાત્કાલિક ભેગા કરવા જેથી ફળમાખીનો એટેક અટકાવી શકાય. સાથે જ બગીચામાં જરૂરિયાત મુજબ ફેરોમેન ટ્રેપ લગાડવા જોઈએ. તેમજ લીંબુના પાકમાં સતત ભેજવાળા/ કમોસમી વરસાદના કારણે ને કારણે canker આવવાની શક્યતા રહેશે. જે માટે સ્ટેપ્ટોસાયક્લીન 100 પીપીએમનો છંટકાવ કરવો અને ખરેલા ફળોને ભેગા કરી નાશ કરવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ