
જુનાગઢ, 24 માર્ચ (હિ.સ.) જૂનાગઢ માણાવદર ઘટકના નાકરા ગામે ‘પોષણ સંગમ’ અભિયાનને વધુ વેગવંતું બનાવવાના ઉમદા હેતુ સાથે એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપની નેમ છેવાડાના બાળક સુધી પોષણક્ષમ સેવાઓ પહોંચાડી વિસ્તારને કુપોષણ મુક્ત કરવાની રહી હતી.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરએ કર્મયોગીઓને અભિયાનની સફળતા માટે જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વર્કશોપ દરમિયાન મુખ્યત્વે CMAM (કમ્યુનિટી બેઝ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન) અને EGFની કામગીરીના સુદ્રઢ અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગ વચ્ચે પરસ્પર સંકલન સાધીને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટેની વ્યુહરચના ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરીની સાફલ્યગાથાઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની હતી.
વધુમાં, આગામી સમય માટે સચોટ માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું અને ધરાતલ પર કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે કર્મચારીઓ પાસેથી મૂલ્યવાન સૂચનો મેળવી અમલીકરણ માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ તાલીમબદ્ધ વર્કશોપથી આરોગ્ય અને આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે, જે ‘પોષણ સંગમ’ કાર્યક્રમની સફળતામાં પાયાનું યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ