

મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામે આવેલું અન્નપૂર્ણા માતાજીનું મંદિર આશરે 1300 વર્ષ જૂનું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે. આ મંદિર ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. લોકમાન્યતા મુજબ, અહીં સાચા મનથી માગેલી દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે.
દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરે આવી દર્શનનો લાભ લે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, આરોગ્ય અને સુખ-શાંતિ માટે લોકો અહીં બાધા રાખે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે.
મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કહેવામાં આવે છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં બ્રાહ્મણોને અહીં સેવાપૂજાની જવાબદારી સોંપવામાં આવી હતી. આજદિન સુધી આ પરંપરા જાળવાઈ રહી છે.
અન્નપૂર્ણા વ્રત દરમિયાન ભક્તોને અન્નરૂપે પ્રસાદ આપવામાં આવે છે. દર પૂનમ અને રવિવારે ખાસ ભીડ જોવા મળે છે. આ રીતે અન્નપૂર્ણા માતાજીનું મંદિર ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR