
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) વિશ્વ ક્ષય દિવસ-2026 નિમિત્તે મહેસાણા જિલ્લામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” હેઠળ મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. જિલ્લામાં આવેલી કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 146 પંચાયતોને સફળ ચકાસણી બાદ ‘ટીબી મુક્ત પંચાયત’ તરીકે જાહેર કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્ષય રોગના નિયંત્રણ માટે હાથ ધરાયેલી સઘન કામગીરીને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે.
આ અભિયાન અંતર્ગત સક્રિય કેસ શોધ, સમયસર મફત નિદાન અને પોષણ સહાય જેવી સેવાઓ પર ખાસ ભાર મુકાયો હતો. કામગીરીના આધારે 146 પંચાયતોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, જેમાં 13 પંચાયતોને ‘ગોલ્ડ’, 40ને ‘સિલ્વર’ અને 93ને ‘બ્રોન્ઝ’ કેટેગરી પ્રાપ્ત થઈ છે. તાલુકાવાર રીતે મહેસાણા તાલુકો સૌથી આગળ રહ્યો છે, જ્યાં 32 પંચાયતો સફળ રહી છે.
આ સફળતા પાછળ આશા કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ, નિક્ષય મિત્રો અને ટીબી ચેમ્પિયન્સની જાગૃતિ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિનના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR