
પોરબંદર ,24 માર્ચ (હિ.સ.)પોરબંદર તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય પંથકમાં ગૌચરની જમીનોમાં થયેલા દબાણ દૂર કરવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે જેમાં નોટિસો આપ્યા બાદ આગામી મે મહિનામાં 39 ગામો પર બુલડોઝર એક્શનની તૈયારીઓ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌચરની જમીનમાં દબાણ મામલે પોરબંદર જિલ્લો પ્રથમ નંબર આવ્યો છે. 19433 હેક્ટર જમીન પર ખુબ મોટાપાયે દબાણ હોવાનું ગુજરાત વિધાનસભામાં જાહેર થતા પોરબંદર જિલ્લા પંચાયતના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. જિલ્લા પંચાયતના અધિકારીએ આગામી 3 માસમાં એક્શન પ્લાન તૈયાર કરવા અને દબાણ દૂર કરવા જણાવ્યું છે તો તાલુકા વિકાસ અધિકારીએ પોરબંદર તાલુકાનો એક્શન પ્લાન મામલે દબાણ દુર કરવા સહિતની વિગતો આર.ટી. આઈ.માં બહાર આવી છે ત્યારે પોરબંદર તાલુકામાં ગૌચરની જમીનના દબાણકારોને નોટિસ ઇસ્યુ કરવાની સંભવિત તારીખ, દબાણકારોને સંભાળવાની સંભવિત તારીખ, દબાણ દૂર કરવાની સંભવિત તારીખ આર.ટી. આઈ.માં લેખિતમાં બહાર આવી છે. એટલે કે, પોરબંદર તાલુકામાં જે પણ દબાણો છે. આ દબાણ દૂર કરવાની કામગીરી મે મહિનામાં કરવામાં આવશે તેવું આયોજન પોરબંદર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. પોરબંદરના સામાજિત કાર્યકર પુંજાભાઈ કેશવાલા છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા લડત ચલાવી રહ્યા છે. તેમણે અગાઉ કરેલી આર.ટી. આઈ.માં દબાણની વિગતો બહાર આવી છે જેમાં પોરબંદર તાલુકાના 77 ગામોમાં 8534 હેક્ટર, રાણાવાવના 28 ગામોમાં 3455 હેક્ટર તેમજ કુતિયાણાના 44 ગામોમાં 6499 હેકટર મળી જિલ્લામાં કુલ 19433 હેકટરમાં દબાણ હોવાનું બહાર આવ્યું હતું એ જ વિગતો ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોના જવાબમાં જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દબાણ છે ત્યારે હવે આ મામલે પોરબંદર જિલ્લા પંચાયતના અધિકારીઓ કેવી રીતે દબાણ દૂર કરશે તે આગામી સમયમાં જોવા મળશે કારણકે, આ દબાણમાં ખેતીલાયક અને રહેણાંક દબાણો છે. આ દબાણકર્તાઓમાં મોટામાથાઓના દબાણો પણ શામેલ છે. ત્યારે ગૌચરની જગ્યા દૂર કરવા રાજકીય નેતાઓ કેટલો સહયોગ આપે છે. તે પણ આગામી દિવસોમાં જોવા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya