
વલસાડ, 24 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ધરમપુરના સહયોગથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.વી. પટેલ સાર્વજનિક સ્કૂલ, આસુરા, પ્રાથમિક શાળા, ખારવેલ તથા સાર્વજનિક હાઈસ્કૂલ, કુરગામના વિદ્યાર્થીઓએ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ધરમપુરના અધિકારી અને કર્મચારીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મણિલાલ ભૂસારા, નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી, વલસાડ, દિનેશભાઇ ખાંડવી, પશુ નિરીક્ષક, નાનાપોંઢા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 'નિવસનતંત્ર માં ચકલીઓ નું મહત્વ' વિષય ઉપર દિનેશભાઇ ખાંડવી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યુ કે, મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણોત્સર્ગથી ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. “ચકલી બચાવો” વિષય પર જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા ચકલીઓને બચાવવા તથા તેમના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે, ચકલીઓ કિટકોનો નાશ કરીને પાકને બચાવે છે અને હાલના સમયમાં ચકલીઓની સંખ્યા ઓછી થવાના કારણે ખેતીમાં કિટકોનો નાશ કરવા માટે જંતુનાશકોનો વપરાશ વધ્યો છે, જે પર્યાવરણ માટે નુક્સાનકારક છે.
મણિલાલ ભૂસારા એ જણાવ્યું કે, પહેલા દરેક ઘરમાં ચકલીઓ જોવા મળતી હતી પણ હવે સીમેંટ-ક્રોંકિટના જંગલોમાં ચકલીઓ લુપ્ત થવા માંડી છે તેમણે ઉનાળાની ગરમીમાં પક્ષીઓ, ચકલીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ટ્રે નું વિતરણ કર્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને પ્રકૃતિ સાથે ટકાઉ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવાનો હતો.
વનપાલ સિદુમ્બર કનુસિંહ અમરસિંહ ઝાલાએ જણાવ્યું કે, ભારત તેમજ વિશ્વભરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત તા.૨૦ માર્ચ ૨૦૧૦ના રોજ મહંમદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી, જેમણે “નેચર ફોરએવર સોસાયટી”ની સ્થાપના કરી હતી. વનરક્ષક શામભાઈ બડિયાવદરાએ પર્યાવરણમાં ચકલીના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી જેમાં તેમણે જાણીતા પક્ષીવિદ ડો. સલિમઅલી વિષે જણાવ્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન બદલાતી પર્યાવરણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ચકલીના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ વધે તે હેતુસર તખુભાઈ સાંડસુર (શિક્ષણ ચિંતક) દ્વારા પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર જૈમિની પરમાર અને સાગર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ચકલી માટે ઇકો-ફ્રેન્ડલી નેસ્ટ બોક્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ચકલીના સંરક્ષણ તથા તેના પર્યાવરણમાં મહત્વ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , રેન્જ ફોરેસ્ટ ઓફિસ ધરમપુર અને મણિલાલભાઈ ભુસારા નો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે