બીજા દિવસે પણ અમદાવાદ,રાજકોટ સહિત પેટ્રોલ પંપો પર લાઈનો,સવારે 5 વાગ્યાથી લોકોની લાઇન
અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) ઇઝરાયલ -ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત બાદ અચાનક 23 માર્ચ, 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે, તેવા ડરથી લોકોએ મોટા
The next day too, lines at petrol pumps including Ahmedabad and Rajkot


અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) ઇઝરાયલ -ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત બાદ અચાનક 23 માર્ચ, 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે, તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર બે કિલોમીટર સુધી લાઇનો લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે,ગત મોડી રાત્રે પણ રાજકોટના મવડી વિસ્તારના પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે મોડી રાત્રે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમ છતાં, સવાર પડતા જ ફરી એકવાર લોકો પંપ પર ઉમટી પડ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વધતી ભીડને પગલે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરાઈ હતી.

આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી. પેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે.

અમદાવાદના વાડજમાં આવેલ ભારત પેટ્રોલ પંપ ખુલતા જ વાહનચાલકોએ પેટ્રોલ-ડીઝલ પૂરાવવા લાઇન લગાવી છે. ગઈકાલે લાઇનો લાગ્યા બાદ સાંજે પેટ્રોલપંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. સવારથી પેટ્રોલના ટેન્કરો પણ દોડવાના શરૂ થયા છે.

રાજકોટમાં આવેલ પેટ્રોલ પંપના મેનેજરે જણાવ્યું કે, વહેલી સવારના પાંચ વાગ્યાથી વાહનચાલકોની ભીડ છે. સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે 8થી 10 ગણી વધુ ભીડ છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાનો સ્ટાફ પણ તૈનાત કર્યો છે.

પેટ્રોલ ભરાવવા આવેલા વાહનચાલકોમાં એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે કે જો કોઇ કારણોસર સપ્લાય બંધ થશે તો હાલાકી ભોગવવી પડશે. આ અજંપાભરી સ્થિતિને કારણે લોકો ટાંકી ફૂલ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હાલમાં તંત્ર દ્વારા સતત એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, ઈંધણનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહેશે, તેથી બિનજરૂરી સંગ્રહખોરી ટાળવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande