
અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) અમદાવાદના વાસણા વિસ્તારમાં ઊંઘમાં જ અજાણ્યા શખસે બહેનની સામે જ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાસણા વિસ્તારમાં 25 વર્ષના યુવકની હત્યાનો બનાવ બન્યો છે. 23 માર્ચે યુવક મોડી રાત્રે સૂતો હતો, અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી છે. યુવકની બહેનની સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં ભરવાડ વાસમાં 25 વર્ષીય હિતેશ મેઘવાલ પરિવાર સાથે રહે છે.
હિતેશ 23 માર્ચના રાતના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતો હતો. હિતેશના બાજુના પલંગમાં તેની બહેન જ્યોતિ સૂતી હતી. 23 માર્ચની રાતના બે વાગ્યાની આસપાસ હિતેશ સૂતો હતો, ત્યારે અજાણ્યો વ્યક્તિ હિતેશને તીક્ષ્ણ હથિયાર વડે મારમારી રહ્યો હતો. હિતેશના અવાજથી જ્યોતિ જાગી ગઈ હતી, ત્યારે આરોપી જ્યોતિની સામે હિતેશને મારી રહ્યો હતો.
આ જોઈને જ્યોતિએ કહ્યું કે, કેમ મારા ભાઈને મારે છે? ત્યારે આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જ્યોતિએ હિતેશને જોતા શરીરમાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું, જેથી જ્યોતિએ બૂમો પાડતા આસપાસના લોકો અને પરિવારના સભ્યોને ભેગા થયા હતા. હિતેશને હોસ્પિટલ લઈ જવા 108ને ફોન કર્યો હતો અને 108ના ડોક્ટરે હિતેશ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા વાસણા પોલીસ સ્થળ પર પહોચી હતી.
પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ગંભીર ઈજાના કારણે હિતેશે પરિવારની નજર સામે દમ તોડ્યો.
વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એન.પટેલે જણાવ્યું હતું કે, બનાવ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારના નિવેદનના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ