
પાટણ, 25 માર્ચ (હિ.સ.) : સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ડાયરેક્ટર રવિ ટાંક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રવિ ટાંક દ્વારા નેક્સ્ટ જનરેશન પેડાગોજી ફોર ઇફેક્ટિવ લર્નિંગ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે આધુનિક શૈક્ષણિક પ્રવાહો સાથે ટેકનોલોજી આધારિત શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત સમજાવી.
આ મુલાકાત દરમિયાન તેમણે કોલેજના IQAC અંતર્ગત ગ્રીન અને એનર્જી ઓડિટનું નિરીક્ષણ પણ કર્યું. કાર્યક્રમમાં સમી તથા હારીજ કોલેજના પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા, જ્યારે સંચાલન ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ