
અમરેલી, 25 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવા ગામ નજીક વન્યજીવનના શિકારની ઘટના સામે આવી છે. સસલાનો શિકાર કરતા બે શખ્સોને વન વિભાગની ટીમે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં ભરત વાઘેલા અને રાકેશ ડોડીયાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, વન વિભાગને ગુપ્ત બાતમી મળતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા ચકરાવા ગામની આસપાસના વિસ્તારમાં નજર રાખવામાં આવી અને શંકાસ્પદ હલચલ દેખાતા બંને શખ્સોને રોકી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તેમની પાસે સસલાનો શિકાર કરાયેલ હોવાના પુરાવા તેમજ ઉપયોગમાં લેવાયેલ સાધનો મળી આવ્યા હતા.
વન વિભાગે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડી અને મુદામાલ જપ્ત કર્યો હતો. બાદમાં બંને સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી કુલ રૂપિયા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વન્યજીવનના શિકાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. સાથે જ લોકોએ પણ વન્યજીવનના સંરક્ષણ માટે સહકાર આપવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai