
ગાંધીનગર, 26 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 100થી વધુ અરજદારોએ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિં, જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ રાજ્ય સ્વાગતમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકવા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતે વૃદ્ધ માતાની ફરિયાદ અંગે મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવીને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચનાઓ આપી હતી.
સરદાર કૃષિ નગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતને પ્રાધાન્ય આપીને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામને મંજૂરી આપવા માટેની કાર્યવાહીનું પણ તેમણે સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વાગત કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સમસ્યાઓનું પણ પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવાના આદેશો આપ્યાં હતાં.
તદઅનુસાર, દહેગામની ખારી નદીમાં બાવળ, ઝાડી ઝાંખરાના કારણે નદીમાં પાણીનું વહન અવરોધાતુ હોવાથી ખેડૂતના ખેતરનું સતત ધોવાણ થતું હોવાની રજૂઆત મુખ્યમંત્રીને મળતા તેમણે તાત્કાલિક ધોરણે આ અવરોધ દૂર કરીને ખેડૂતના ખેતરનું ધોવાણ અટકાવવા સૂચના આપી હતી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ અવરોધ દૂર કરી ખેડૂતના પ્રશ્નનું તાકીદના ધોરણે નિરાકરણ કરવાની જિલ્લા કલેકટરએ પણ મુખ્યમંત્રીને ખાતરી આપી.
અન્ય કિસ્સાઓમાં ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજને કારણે ખેતીને પાકને થતું નુકસાન અટકાવવા, ખેતરમાં જવા માટેના રસ્તાનું દબાણ હટાવવા સહિતના ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને તાકીદના ધોરણે નિવારણ કરવા માટે દિશાનિર્દેશો કર્યા હતા.
રાજ્ય સ્વાગત અંતર્ગત રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ કરીને રાજ્ય સરકાર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત થાય તેવી સંવેદનાપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રીએ રાજ્ય વહીવટી તંત્રને દિશાનિર્દેશો આપ્યા હતા.
માર્ચ-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાઓના કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ