
ગીર સોમનાથ 26 માર્ચ (હિ.સ.) સુત્રાપાડા શહેરમાં આજરોજ રામ નવમીના પાવન પર્વ નિમિતે ભવ્ય અને વિશાળ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉજવણીમાં સુત્રાપાડા શહેર સહિત સુત્રાપાડા બંદર તેમજ આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા, અને સમગ્ર શહેર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
આ શોભાયાત્રાનો પ્રારંભ બસસ્ટેન્ડ નજીક આવેલ નવદુર્ગા માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે નિકળી સુત્રાપાડા બંદર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તિગીતો, ડીજેના સ્વર અને “જય શ્રી રામ”ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉર્જાથી છલકાયું હતું.
માર્ગમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા જાનકી, હનુમાનજી તેમજ અન્ય પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોના જીવંત સ્વરૂપો રજૂ કરવામાં આવતા લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્થળ સ્થળે પાણી, પ્રસાદ અને સેવાકીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતા ભક્તોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
આ ભવ્ય શોભાયાત્રાનો સમાપન શ્વાનઋષિ આશ્રમ ખાતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણાહુતિ સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુત્રાપાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરાહનીય કામગીરી નિભાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ