




- 651 કુંવારિકાને ચૈત્રી નવરાત્રી આઠમના પાવન દિવસે ગોયાણી કરી પ્રસાદ તેમજ ભેટ આપવામાં આવી
- રામ, લક્ષ્મણ અને સીતાજીના બાળ સ્વરૂપોએ જમાવ્યું આકર્ષણ
- સર્વ જ્ઞાતિની કુંવારિકાનું અંકલેશ્વર ખોડલધામ સમિતિએ પ્રથમ વખત દીકરીઓને ભોજન અને પૂજન કરાવ્યું હતું
ભરૂચ, 26 માર્ચ (હિ.સ.) : ચૈત્ર માસની નવરાત્રિ અને આઠમના પાવન અવસર પર ખોડલધામ સમિતિ ,મહિલા અને યુવા સમિતિ દ્વારા 651 કુંવારિકાને ચૈત્રી નવરાત્રી આઠમના પાવન દિવસે ગોયાણી કરી પ્રસાદ તેમજ ભેટ આપવામાં આવી .એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ પ્રસંગે ચૈત્ર સુદ આઠમના 'નિવેદ' નિમિત્તે મહાપ્રસાદનું સુંદર આયોજન થયું હતું,સર્વ જ્ઞાતિની કુંવારિકાનું અંકલેશ્વર ખોડલધામ સમિતિએ પ્રથમ વખત ભોજન અને પૂજન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
ભક્તિમય માહોલ અને બાળ સ્વરૂપોનું આકર્ષણ
આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાજીના વેશમાં સજ્જ થયેલા ભૂલકાઓ રહ્યા હતા. બાળકોના આ દિવ્ય સ્વરૂપોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને સમગ્ર વાતાવરણમાં એક અનોખી ધાર્મિકતા ફેલાઈ હતી. ભક્તોએ આ બાળ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સેવા અને સમર્પણનો સંગમ
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમિતિની 50 જેટલી બહેનોએ ખંતપૂર્વક સેવા આપી હતી. યુવા સમિતિના સભ્યોએ પણ ભારે પુરુષાર્થ કરી વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રસાદની વ્યવસ્થાથી લઈ મહેમાનોના સ્વાગત સુધીનું તમામ સંચાલન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
ચૈત્ર આઠમનો મહિમા અનેરો છે, ત્યારે ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત આ પ્રસાદીના કાર્યક્રમમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી હતી. ખાસ કરીને બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા રામ-સીતાજીના પાત્રોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાદડિયા, પંકજ ભુવા, કન્વીનર જયશીલ પટેલ અને વિપુલ વેકરીયા તેમજ દરેક સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી મા ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા તથા યુવા સમિતિની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ