
વલસાડ, 27 માર્ચ (હિ.સ.): વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાન, વાંકલ અને પીઠા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)ના નવા મકાનનું લોકાર્પણ ધરમપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાંજણરણછોડ પીએચસી રૂ. 121.11 લાખના ખર્ચે નિર્માણ થયું હતું. આ નવા મકાનમાં માઈનોર ઓપરેશન થિયેટર, પ્રિ ઓપરેશન રૂમ, લેબર રૂમ વીથ બેબી રૂમ, અને ઈન્ડોર દર્દીઓ માટે સુવિધાયુક્ત વોર્ડ, અદ્યતન લેબોરેટરી અને પી.એમ.રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તે હેતુથી ગ્રાઉન્ડ ફલોરવાળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. પીએચસીના ફરતે કંપાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે