પુણા વિસ્તારમાં સાડીના ગોડાઉનમાં ભયાનક આગ, કરોડોનું નુકસાન
સુરત, 28 માર્ચ (હિ.સ.): સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં શનિવારે મોટાપાયે આગની ઘટના સામે આવી હતી. સિલ્વર ચોક નજીકના અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાંથી અચાનક ધુમાડો નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. થો
Surat


સુરત, 28 માર્ચ (હિ.સ.): સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં શનિવારે મોટાપાયે આગની ઘટના સામે આવી હતી. સિલ્વર ચોક નજીકના અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાંથી અચાનક ધુમાડો નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા માળને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.

ગોડાઉનમાં મોટી માત્રામાં કાપડ અને જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટના વિશે જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર ફાઈટરોની સતત મહેનત બાદ લગભગ એક કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનામાં ગોડાઉનમાં રાખેલો સાડીઓનો મોટો જથ્થો સંપૂર્ણપણે બળી ગયો હતો, જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. સદભાગ્યે, ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સ્થળ પર કૂલિંગ પ્રક્રિયા ચાલુ છે અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande