
-જાનથી મારી નાખવાની અને તેના મમ્મી પપ્પાને આ બધું કહી દેવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો હતો
- સગીરાએ બાળકીને જન્મ આપતા પાપીનો ભાંડો ફૂટ્યો હતો
-બનાવની જાણ સગીરાના પિતાને થતા અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી
ભરૂચ 28 માર્ચ ( હિ. સ ) ઉદ્યોગ નગરી અંકલેશ્વરના શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે પડોશમાં રહેતી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી હતી. આ મામલે પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતા શંકર ગણપત વસાવા નામના શખ્સે માનવતાની તમામ હદો વટાવી દીધી છે. આરોપીએ પડોશમાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી પોતાના ઘરે બોલાવી હતી. સગીરા સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી શંકર વસાવાએ સગીરાને તેના ઘરે રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, જો આ વાત તે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની અને તેના માતા-પિતાને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. આ ધમકીના ઓથા હેઠળ આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાએ બાળકીને જન્મ આપતા મામલો બિચક્યો
નરાધમના આ કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની હતી. સગીરાએ તાજેતરમાં એક બાળકીને જન્મ આપતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. સમગ્ર મામલો સામે આવતા સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસની કડક કાર્યવાહી
અંકલેશ્વર પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ 64(2)(એફ), 64(2)(એમ), 65(1), 351(3) પોક્સો એક્ટ (POCSO): કલમ 4, 6, 8 અને 10 મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઘટનાની ગંભીરતાને જોતા FSL ની ટીમ દ્વારા પણ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કેસની તપાસ પી.આઈ. પી.જી. ચાવડા ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ