

પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા ના કમિશ્નર એચ. જે. પ્રજાપતિની સૂચના અનુસંધાને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માર્ચ 2026 માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત માણેક ચોક, પ્લાઝા ટોકીઝ વિસ્તાર, ભદ્રકાલી રોડ, એસ.વી.પી. રોડ, જ્યુબેલી રોડ તેમજ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફાસ્ટફૂડ, મીઠાઈ, ફરસાણ, ડેરી અને શેરડીના રસના ધંધાર્થીઓની દુકાનો અને એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ધંધાર્થીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, અસ્વચ્છ પરિસ્થિતિમાં તૈયાર કરાતા ખોરાક અને સ્વચ્છતાના અભાવ જેવી બાબતો સામે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કુલ 48 ધંધાર્થીઓ પાસેથી રૂપિયા 12,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે દૂધ, પનીર, ફરસાણ, તૈયાર શાક અને કઠોળ જેવા વિવિધ ખોરાકના કુલ 10 નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ થાય તે માટે આ પ્રકારની ચકાસણી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ તમામ ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya