ખેતી પ્રત્યેના પ્રેમે બદલ્યો જીવન માર્ગ: સાવરકુંડલાના યુવા ખેડૂત હર્ષદભાઈ ભાલાળાની સફળતા ગાથા
અમરેલી, 28 માર્ચ (હિ.સ.)અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેતીનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં યુવા વર્ગ શહેરોની નોકરી અને વ્યવસાય છોડીને પોતાના વતનમાં પરત ફરી ખેતી તરફ વળ્યો છે. ખેતી પ્રત્યેનો પ્રેમ અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમને સફળતા તરફ દોરી
ખેતી પ્રત્યેના પ્રેમે બદલ્યો જીવન માર્ગ: સાવરકુંડલાના યુવા ખેડૂત હર્ષદભાઈ ભાલાળાની સફળતા ગાથા


અમરેલી, 28 માર્ચ (હિ.સ.)અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેતીનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં યુવા વર્ગ શહેરોની નોકરી અને વ્યવસાય છોડીને પોતાના વતનમાં પરત ફરી ખેતી તરફ વળ્યો છે. ખેતી પ્રત્યેનો પ્રેમ અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ તેમને સફળતા તરફ દોરી રહ્યો છે. આવી જ એક પ્રેરણાદાયી કથા સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામના ખેડૂત હર્ષદભાઈ ભાલાળાની છે, જેઓએ શહેરના કન્ટ્રક્શન વ્યવસાયને અલવિદા કહી ખેતીમાં લાખોની આવક મેળવી છે.

હર્ષદભાઈ ભાલાળા, ઉંમર 40 વર્ષ, ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ સુરતમાં કન્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાના માદરે વતન સાથેનો લગાવ અને ખેતી પ્રત્યેનો ઝુકાવ તેમને પાછા ગામ તરફ ખેંચી લાવ્યો. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ દાધીયા ગામે સ્થાયી થઈ આધુનિક ખેતી કરી રહ્યા છે અને ખેતીમાંથી જ સારી આવક મેળવી રહ્યા છે.

તેઓ જણાવે છે કે, “જો ખેડૂત ખેતીને પ્રેમ કરે તો ખેતરમાં વાવેલા દરેક છોડ સાથે એક લાગણી જોડાઈ જાય છે. એવું લાગે છે કે છોડ અને વૃક્ષો આપણું સંવાદ કરે છે. જ્યારે આપણે મન, ધન અને મહેનતથી ખેતી કરીએ ત્યારે ચોક્કસ સફળતા મળે છે.” હર્ષદભાઈના આ વિચારો તેમની સફળતાનું મુખ્ય કારણ છે.

હર્ષદભાઈ 108 વીઘા જમીનમાં 17 કરતાં વધુ પાકોનું વાવેતર કરે છે. તેઓ શાકભાજી સાથે બાગાયતી પાકનું પણ ઉત્પાદન કરે છે. આધુનિક પદ્ધતિઓ જેમ કે ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ અને ક્રોપ કવરનો ઉપયોગ કરીને તેઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ એક વીઘામાંથી વર્ષ દરમિયાન અંદાજે 2 લાખ રૂપિયા સુધીની આવક થાય છે, જે કન્ટ્રક્શન વ્યવસાય કરતાં વધુ છે.

ઉત્પાદિત શાકભાજીનું માર્કેટિંગ પણ તેઓ નવી રીતથી કરે છે. ખેતરમાંથી તાજું ઉત્પાદન સીધું જ સુરત ખાતે તેમના નિવાસસ્થાને મોકલવામાં આવે છે, જ્યાં ઘરેથી જ વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત સાવરકુંડલા, મહુવા, ભાવનગર અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ તેઓ શાકભાજીનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે.

આ રીતે હર્ષદભાઈ ભાલાળાએ સાબિત કર્યું છે કે જો ખેતીને વ્યવસાય તરીકે નહીં પરંતુ પ્રેમ અને લાગણી સાથે અપનાવવામાં આવે, તો તેમાં અદભૂત સફળતા મેળવી શકાય છે. તેમની આ સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે અને ગ્રામિણ વિકાસ તરફ એક સકારાત્મક સંદેશ આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande