
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) બેચરાજી ખાતે યોજાનારા ચૈત્રી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે. જેગોડા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(સી) હેઠળ આ આદેશો જારી કરવામાં આવ્યા છે.
જાહેરનામા મુજબ, 31 માર્ચના સવારે 08:00 કલાકથી 02 એપ્રિલની મધરાત સુધી બેચરાજી ટાઉનના મેળા વિસ્તારમાં પરમીટ વગરના પેસેન્જર વાહનો અને રિક્ષાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ટ્રાફિકની ભીડ નિયંત્રિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે.
આ ઉપરાંત, મેળા દરમિયાન લાઉડસ્પીકર, ઢોલ-નગારા અને અન્ય ઘોંઘાટ કરતા વાજિંત્રોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ખાસ કરીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે કડક અમલ કરવામાં આવશે.
વધુમાં, જાહેર માર્ગો પર ઢોર-પશુઓની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી છે, જેથી યાત્રાળુઓને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તંત્રને તેનો કડક અમલ કરાવવા સૂચના અપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR