

મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે ઊંઝા સ્થિત જગતજનની શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નવરાત્રિના પ્રારંભથી જ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઘટસ્થાપન કરી ચંડીપાઠના અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
નવરાત્રિ નિમિત્તે મંદિરને આકર્ષક લાઇટિંગથી શોભિત કરવામાં આવ્યું હતું, જ્યારે માતાજીના ગર્ભગૃહને વિવિધ ફૂલોની ભવ્ય આંગીથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અષ્ટમીના પાવન દિવસે મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દિવસ દરમિયાન નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી.
રાત્રિના સમયે મંદિર પરિસરમાં 501 દીવાઓ સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ અલૌકિક દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
સમગ્ર નવરાત્રિ દરમિયાન દેશ-વિદેશથી આવેલા લાખો ઉમા ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR