







પોરબંદર, 28 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળાના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે માધવપુર બીચ ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે માધવરાય મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માધવપુર ઘેડના મેળામાં યોજાયેલા ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ મળ્યું છે. જેના પરિણામે આજે દેશ-વિદેશના કલાકારો અને યાત્રાળુઓ અહીં ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરાગત મેળાને આધુનિક રૂપ આપવાનો શ્રેય વડાપ્રધાનને જાય છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે મેળામાં નવા આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરિયા કિનારે રમાતી રમતો યુવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જગાવશે. રમત-ગમત માત્ર મેડલ મેળવવા માટે જ નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક તથા રાષ્ટ્રીય વિકાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અંતમાં તેમણે તમામ ખેલાડીઓ અને રમતગમત વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી યુવા પ્રતિભાઓને રમત ગમત ક્ષેત્ર
આગળ લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન તા.27-03-2026 થી તા.30-03-2026 સુધી માધવપુર બીચ ખાતે કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી સ્પર્ધાઓ યોજાશે.
આ પ્રસંગે માંગરોળ-માળિયા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરબતભાઈ પરમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણા પાંડાવદરા, ગ્રામ પંચાયત સરપંચ ભાનુભાઈ ભુવા તેમજ મહામંત્રી રાજેશભાઈ કરગઠીયા, પ્રવીણભાઈ ઓડેદરા, અગ્રણી સર્વ પ્રતાપ કેશવાલા, આવડા ઓડેદરા,અરસી ખુટી , સામતભાઈ ઓડેદરા, લીલાભાઈ પરમાર, વિવિધ એસોસિયેશન પ્રતિનિધિઓ સહિતના અગ્રણીઓ અને એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya