નવી કામરોલ-હાજીપર રોડનું કામ ૮ મહિનાથી અટક્યું, લોકોમાં રોષ અને મુશ્કેલી વધતી
ભાવનગર, 28 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ નવી કામરોલ ગામથી હાજીપર ગામ સુધીના માર્ગનું નવીનીકરણ કાર્ય છેલ્લા આઠ મહિનાથી બંધ પડ્યું હોવાના કારણે સ્થાનિક લોકો તથા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વપૂર્ણ જોડાણ ધરાવતા
ખરાબ રોડ


ભાવનગર, 28 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ નવી કામરોલ ગામથી હાજીપર ગામ સુધીના માર્ગનું નવીનીકરણ કાર્ય છેલ્લા આઠ મહિનાથી બંધ પડ્યું હોવાના કારણે સ્થાનિક લોકો તથા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વપૂર્ણ જોડાણ ધરાવતા આ માર્ગની હાલત દિવસ પ્રતિદિન ખરાબ બનતી જઈ રહી છે, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

માર્ગનું કામ શરૂ થયા બાદ થોડા સમયમાં જ તે અચાનક બંધ થઈ ગયું હતું અને ત્યારથી આજદિન સુધી કોઈ પ્રગતિ જોવા મળતી નથી. રસ્તા પર મોટા પાયે મેટલ (ખડકાં) નાખી દેવામાં આવ્યા છે, પરંતુ તેને સમતલ કરવાની પ્રક્રિયા અટકેલી રહેતા વાહનચાલકોને જોખમ ભર્યા પરિસ્થિતિમાં પસાર થવું પડે છે. ખાસ કરીને બે-પહિયા વાહનચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રોજિંદા કામકાજ, શાળા-કોલેજ તથા હોસ્પિટલ જવા માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. રોડ ખરાબ હોવાના કારણે સમય વધુ લાગે છે તેમજ વાહનોમાં નુકસાન થવાની સમસ્યા પણ વધી છે. રાત્રિના સમયે તો માર્ગ પર પ્રકાશની સુવિધા ન હોવાને કારણે અકસ્માતનો ભય વધુ ગંભીર બની જાય છે.

ગ્રામજનો વારંવાર તંત્રને રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રોડનું કામ ફરી શરૂ કરવામાં આવે અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી તેમને રોજબરોજની મુશ્કેલીઓમાંથી રાહત મળી

શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande