
સુરત, 28 માર્ચ (હિ.સ.): સુરતમાં ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાત માટે ચૂંટણીલક્ષી વ્યૂહરચના બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. સરસાણા વિસ્તારના પ્લેટીનમ હોલમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ વચ્ચે ભાજપે તૈયારીને ગતિ આપી છે. છેલ્લા થોડા દિવસોમાં મહાનગર, જિલ્લા અને પ્રદેશ સ્તરે વિવિધ સમિતિઓ રચવામાં આવી છે. દક્ષિણ ઝોનના સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો બેઠકમાં જોડાયા હતા અને ચૂંટણી માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સ્થાનિક નેતાઓ પાસેથી વિસ્તારવાર સ્થિતિની માહિતી મેળવી અને ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યકર્તાઓને વધુ સક્રિય બનીને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ અગાઉના સફળ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ વખતે પણ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં અન્ય ઝોનમાં પણ આવી બેઠકો યોજવાની યોજના જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ખાસ ‘ટિફિન બેઠક’ યોજવાની તૈયારી છે. દરેક મંડળમાં કાર્યકર્તાઓને જોડીને કાર્યક્રમ સાંભળવાનો અને લોકસંપર્ક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ સ્થાપના દિવસ પૂર્વે ‘મહાસંપર્ક અભિયાન’ દ્વારા બૂથ સ્તરે લોકો સુધી પહોંચવાની યોજના પણ ભાજપ દ્વારા અમલમાં મુકવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે