
વલસાડ, 28 માર્ચ (હિ.સ.): વાપીના કોપરલી રોડ વિસ્તારમાં દિવસ દરમિયાન એક દીપડો નિર્ભય રીતે ફરતો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રસ્તેથી પસાર થતા એક વાહનચાલકે આ દૃશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું, જે પછી સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયું છે. વીડિયો સામે આવતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, વાહન નજીક આવતાં દીપડો તરત જ રોડ છોડીને ઝાડીઓમાં ઓગળી ગયો હતો. આ સમગ્ર ઘટનાએ લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ પણ ઊભો કર્યો છે. કોપરલી રોડ વિસ્તાર સામાન્ય રીતે વ્યસ્ત અને રહેણાંક માટે જાણીતો છે, જેથી આવી ઘટના સ્થાનિકો માટે ચિંતાજનક બની છે.
ખાસ કરીને પશુપાલકોમાં તેમના પશુઓની સુરક્ષા અંગે ભય વધ્યો છે. રહેવાસીઓએ પણ બાળકો અને પરિવારજનોની સલામતીને લઈને સતર્કતા વધારી છે. લોકોમાં દીપડાની ફરી હાજરી અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, દીપડાની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જણાશે તો તેને પકડવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. સાથે જ સ્થાનિકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે