

પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી તેમજ તેને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે રૂ. 4.99 કરોડના ખર્ચે હેરિટેજ સ્ટેટ લાઈબ્રેરી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધિવત કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામનો શુભારંભ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ લાઈબ્રેરી ઈ.સ. 1888માં ગ્રીક શૈલીમાં નિર્માણ પામેલી એક ઐતિહાસિક ઇમારત છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતિક છે. તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્તે અને મહારાણા વિકમાતજીની ઉપસ્થિતિમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વધુમાં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે વિદેશથી પરત ફર્યા હતા ત્યારે આ લાઈબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉનહોલમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ વધુ ઉજાગર થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હયાત સ્ટેટ લાઈબ્રેરી બિલ્ડિંગનું હેરિટેજ ધોરણો અનુસાર રિસ્ટોરેશન કરવામાં આવશે. મૂળ આર્કિટેક્ચરલ ઓળખ જાળવી રાખીને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરી શકાય તે માટે પ્રથમ માળે આવેલા ટાઉનહોલનું સંવર્ધન અને પુનઃનિર્માણ કરવામાં આવશે. આ સાથે વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ, આધુનિક અભ્યાસ પરિસર ઉપલબ્ધ થશે. આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે તેની નવી પેઢીને ઉપયોગી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઈબ્રેરી સુવિધાઓનો લાભ મળશે અને શહેરના સાંસ્કૃતિક જીવનમાં નવી ઊર્જા ઉમેરાશે. સ્થાનિક અગ્રણીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya