
નવસારી, 28 માર્ચ (હિ.સ.): નવસારી-અમલસાડ રોડ પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ અને મોપેડ વચ્ચે ટક્કર થતા એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, અમલસાડ તરફથી નવસારી જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની બસ સામેની દિશામાં આવતી મોપેડ સાથે અથડાઈ હતી. મોપેડ પર સવાર બે યુવાનોમાં ધવલ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.
આ અકસ્માતમાં અન્ય એક યુવાન પ્રીત રાઠોડ પણ ઘાયલ થયો હતો. આસપાસના લોકોની મદદથી તેને તાત્કાલિક નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે તેમજ બસના ચાલકની પૂછપરછ કરી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે