
બોટાદ, 29 માર્ચ (હિ.સ.)માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ARTO બોટાદ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના હડદડ માર્કેટિંગ યાર્ડ ખાતે રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધે તે માટે ખાસ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને વાહનચાલકોને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરાવવાનો છે.રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટ્રક, ટ્રેક્ટર-ટ્રોલી અને અન્ય ભારે વાહનો સહેલાઈથી દેખાતા નથી, જેના કારણે અકસ્માતોની શક્યતા વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ARTO વિભાગ દ્વારા વિવિધ વાહનો પર રિફ્લેક્ટર સ્ટિકર્સ લગાવવામાં આવ્યા, જેથી અન્ય વાહનચાલકો દૂરથી જ વાહનને ઓળખી શકે.આ કામગીરી દરમિયાન અધિકારીઓએ વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો વિશે પણ જાગૃત કર્યા હતા. હેલ્મેટ પહેરવાની ફરજિયાતતા, સીટબેલ્ટનો ઉપયોગ, ઓવરલોડિંગ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. સાથે જ રાત્રિના સમયે હેડલાઈટ અને ઈન્ડિકેટર યોગ્ય રીતે કામ કરે તે અંગે પણ ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ વાહનોમાં રિફ્લેક્ટર લગાવી શકાય અને અકસ્માતોની સંભાવના ઓછી કરી શકાય. માર્ગ સલામતી માટે લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે યાર્ડના વેપારીઓ, વાહનચાલકો તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી વિસ્તારમાં માર્ગ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT