


-ભરૂચના નયનાચોક વિસ્તારમાં સંસ્કૃતિ અને ભક્તિનો સંગમ જોવા મળ્યો
-સ્વાધ્યાય પરિવારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ઉત્કૃષ્ટ રીતે સંપન્ન થયો
-વડીલોની આંખમાં હર્ષના આંસુ સાથે ભારતીય પરંપરાની ઝલક જોવા મળી હતી
-યુવાનોએ દિવસ-રાત જહેમત ઉઠાવી આયોજનને યાદગાર બનાવ્યું
ભરૂચ 29 માર્ચ (હિ.સ.) વર્તમાન આધુનિક યુગમાં જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ વધી રહ્યું છે, ત્યારે ભરૂચના નયનાચોક વિસ્તારમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિના જતનનો અનોખો નજારો જોવા મળ્યો હતો. સ્વાધ્યાય પરિવારના અગ્રણી પ્રકાશ મિસ્ત્રીના સતત માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને સંસ્કાર સિંચન માટે વિવિધ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.અખિલ વિશ્વ સ્વાધ્યાય પરિવાર માટે વર્ષ 2026 ‘ચિત્ર - પાવન - પર્વ’ તરીકે ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) દ્વારા સ્થાપિત ‘શ્રીમદ ભાગવદ ગીતા પાઠશાળા’ અને નિર્મલાતાઈના જન્મના 100 વર્ષ પૂર્ણ થતા આ શતાબ્દી પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ પાવન અવસરે ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર અને નયનાચોક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ પૂજનનો એક અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ પ્રસંગ ઉજવાયો હતો.
યુવા શક્તિનો પરિચય અને ભગીરથ કાર્ય
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે 'નયનાચોક યુવક મંડળ'ના ઉત્સાહી સભ્યોએ દિવસ-રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી. યુવાનોના આ સમર્પણને કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને યાદગાર બની રહ્યો હતો. સ્થાનિક રહીશો પણ આ ભગીરથ કાર્યમાં હોંશે-હોંશે જોડાયા હતા, જેના કારણે સમગ્ર નયનાચોક વિસ્તાર જાણે ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયો હતો.
ભાવુક દ્રશ્યો: પરંપરા હજુ પણ જીવંત
કાર્યક્રમ દરમિયાન સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે ઉપસ્થિત વડીલો બાળકોને સંસ્કારયુક્ત પ્રવૃત્તિઓ કરતા જોઈ ભાવવિભોર થઈ ગયા હતા. અનેક વડીલોની આંખમાં હર્ષના આંસુ છલકાયા હતા. આ દ્રશ્યોએ સાબિત કરી દીધું કે ગમે તેટલી આધુનિકતા આવે, પરંતુ ભારતીય સંસ્કાર અને પરંપરાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.
સંસ્કૃતિ રક્ષણના શપથ સાથે પૂર્ણાહુતિ
કાર્યક્રમના અંતે એક ગંભીર અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉપસ્થિત તમામ લોકોએ એકઠા મળીને ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે કટિબદ્ધ રહેવાના સામૂહિક શપથ લીધા હતા. પ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બાળકોમાં નાનપણથી જ આવા સંસ્કારોનું સિંચન થાય તે આજના સમયની માંગ છે.
આ કાર્યક્રમની સફળતાએ સમગ્ર વિસ્તારમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ