
પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડ મેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો વિશેષ આકર્ષણ બની રહ્યા છે. પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના કલાકારોની સંયુક્ત પ્રસ્તુતિ દ્વારા વિવિધ સંસ્કૃતિઓનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.
તા.30માર્ચના રોજ સાંજે યોજાનારા કાર્યક્રમોમાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના લોકનૃત્યો સાથે બંને પ્રદેશોના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરી તેને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ 30 મિનિટનો સમય ફાળવી સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય મંચ પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તા.30 માર્ચના રાત્રે શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા ભક્તિરસથી ભરપૂર સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જે મેળાની રંગતને વધુ ઉજળી બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya