




પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના માધવપુર ઘેડમાં થયેલા વિવાહની સ્મૃતિ રૂપે વર્ષોથી યોજાતો માધવપુર ઘેડનો લોક મેળો લોકપ્રિય થતા આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો મેળામાં સહભાગી થયા છે. તા.27 માર્ચથી શરૂ થયેલો માધવપુર ઘેડનો મેળો હવે અંતિમ ચરણમાં છે. માધવપુરમાં મધુવન ખાતે આવતીકાલે તા. 30 માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થશે અને સ્થાનિક તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક વિભાગ અને યાત્રાધામ બોર્ડ દ્વારા તા.31મી માર્ચના રોજ દ્વારકામાં રુકમણી સત્કાર સમારોહ યોજાશે.
આવતીકાલે તા.30 માર્ચના રોજ બપોર બાદ ચાર વાગે માધવરાયજીના મંદિરેથી ભગવાનની જાન પ્રસ્થાન થશે. વર્ષોની પરંપરા મુજબ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપશે. ભગવાનનો રથ જાન પ્રસ્થાન દરમિયાન જ્યારે ઋષિ તળ વિસ્તારમાં પહોંચશે ત્યારે રથને શાસ્ત્રોકત પરંપરા મુજબ દોડાવવામાં આવશે. ભગવાનના આ વિવાહ વિધિમાં મધુવન વિસ્તારમાં આવેલ રુકમણી મંદિર દ્વારા પિયર પક્ષની વિધિ કરવામાં આવે છે. ચોરી માયરા કે જે પૌરાણિક સ્થળ છે અને ત્યાં પૌરાણિક લગ્ન મંડપ પણ આવેલ છે જ્યાં ભગવાનના રાત્રિના સમયે લગ્ન થશે. મોટી સંખ્યામાં ભક્તો જોડાશે અને ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજી મધુવનમાં બિરાજશે અને બીજા દિવસે એટલે કે તા. 31 માર્ચના રોજ માધવપુર વાસીઓના અબીલ ગુલાલ, કૃષ્ણ કીર્તન ભજન, દાંડીયારાસના ઉત્સવ સાથે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે. વર્ષોની પરંપરા મુજબ ભગવાન લગ્ન વિધિ બાદ જ્યારે નીજ મંદિરમાં પરત ફરે છે ત્યારે યાત્રામાં સમગ્ર માધવપુર વાસીઓ અબીલ ગુલાલની વર્ષા કરે છે અને તેના કારણે માધવપુરની યાત્રા રુટની બજારો ગુલાબી રંગમાં છવાઈ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માધવપુર ઘેડના મેળા અંગે સૌને શુભકામના પાઠવી હતી. અને જણાવ્યું હતું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ તહેવાર 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળામાં આવવાનું આહ્વાન કરું છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya