
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આગામી 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાવ-થરાદથી વડનગર ખાતે તૈયાર કરાયેલા અંદાજિત રૂ. 25 કરોડના પ્રવાસન પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રકલ્પ હેઠળ વડનગરના પ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો વિકસાવવામાં આવ્યો છે. આ શોમાં લાઇટ અને સાઉન્ડના અદભૂત સમન્વય દ્વારા વડનગરના ઐતિહાસિક વારસા અને પ્રાચીન જળ સંચય પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
વડનગર, જેનું ઐતિહાસિક મહત્વ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે, ત્યાં આ નવી પહેલથી પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે અને વિસ્તારના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આવા પ્રકલ્પો વડનગરને વૈશ્વિક નકશા પર વધુ મજબૂત બનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR