
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 2,281 પરિવારોનું પોતાના પક્કા મકાનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આગામી 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના રૂ. 38.57 કરોડના આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્યમાં કુલ રૂ. 651 કરોડના ખર્ચે તૈયાર થયેલા 38,949 આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આધુનિક સુવિધાયુક્ત મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી લાભાર્થીઓને સન્માનપૂર્ણ જીવન જીવવાની તક મળશે.
આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60:40ના હિસ્સા સાથે પ્રતિ લાભાર્થી રૂ. 1.20 લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત રૂફ કાસ્ટ માટે રૂ. 50 હજાર, શૌચાલય માટે રૂ. 12 હજાર અને મનરેગા હેઠળ 90 દિવસની મજૂરી સહાય પણ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજના ઝડપથી અમલમાં આવી રહી છે. આ પહેલથી હજારો પરિવારોને સુરક્ષિત અને સ્થિર નિવાસ મળી રહેતા ‘વિકસિત ગુજરાત@2047’ના લક્ષ્યને મજબૂતી મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR