


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાં વસવાટ કરતા સખી મંડળના બહેનો દ્વારા માધવપુરના ઐતિહાસિક મેળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત અને સુચારુ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. છાંયામાં રહેતા સખી મંડળના બહેન ગીતાબેન મારુ તથા ગીતાબેન પરમાર સહિતની બહેનોનોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા મેળામાં ભાગ લેવા જતાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને ફૂડ પેકેટ, શુદ્ધ પીવાનું પાણી તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે તમામે સુખાકારી અનુભવી હતી. આ સાથે મહાનગરપાલિકા દ્વારા પોરબંદરથી માધવપુર મેળા સુધી આવવા-જવાની સુવિધા સુગમ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના પરિણામે બહેનો તેમના પરિવારજનો તથા બાળકો સાથે આનંદપૂર્ણ વાતાવરણમાં મેળાનો આનંદ માણી શક્યા હતા.
બહેનો દ્વારા જણાવાયું હતું કે આ પ્રકારની વ્યવસ્થાઓને કારણે તેઓએ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર મેળાનો પૂર્ણ આનંદ માણ્યો હતો અને સમાજના વિવિધ વર્ગોને આવા મેળા સાથે જોડાવાનું પ્રોત્સાહન મળ્યું છે. સખી મંડળના બહેનો દ્વારા મહાનગરપાલિકાની આ કામગીરીને પ્રશંસનીય ગણાવી તેને બિરદાવવામાં આવી હતી. અંતમાં બહેનો દ્વારા પોરબંદર મહાનગરપાલિકાનો ફરી એકવાર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya