
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સાથી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રૂ. ૨૪૦ લાખના ખર્ચે નિર્માણ પામેલી “શ્રી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં ગુણ મેળવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જીવન જીવવાની કળા, સંસ્કાર અને સક્ષમતા વિકસાવવાનો છે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આજના સમયમાં શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસ પણ એટલો જ જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક બની શકે.નવીન શાળા આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. તેમાં વિશાળ વર્ગખંડો, સ્વચ્છ પરિસર, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ શાળા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સુખદ અને પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડશે. લોકાર્પણ પછી મહાનુભાવોએ શાળાની મુલાકાત લઈને વિવિધ સુવિધાઓની માહિતી મેળવી હતી અને શાળાના વિકાસ માટે શિક્ષકો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આવી સુવિધાસભર શાળાઓના નિર્માણથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું જશે.આ અવસરે સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં યોજાયો હતો. આ રીતે ભાવનગરમાં નવી શાળાનું લોકાર્પણ શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT