
અમરેલી, 29 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં આજે અચાનક વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ જાબાળ, બાઢડા અને મોટા ઝીંઝુડા ગામોમાં ભારે ઝાપટા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધજડી, સાકરપરા અને અભરામપરા ગામોમાં હળવા વરસાદી છાંટા નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઊંચા તાપમાન વચ્ચે આ અચાનક પડેલા વરસાદે વાતાવરણમાં ઠંડક તો લાવી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે. ખાસ કરીને આંબાના પાક પર આ વરસાદનો પ્રતિકૂળ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમયે આંબાના પાક પર ફૂલ અને કાચા કેરીનો વિકાસ ચાલતો હોવાથી વરસાદ અને ભેજના કારણે નુકસાન થવાની શક્યતા વધી છે.
સ્થાનિક ખેડૂતો જણાવે છે કે જો આ પ્રકારનું વાતાવરણ ચાલુ રહેશે તો ઉત્પાદન પર સીધી અસર પડશે. હાલમાં સ્થિતિ પર ખેડૂતો અને કૃષિ વિભાગ નજર રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai