
અમરેલી, 29 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં લગભગ 20 મિનિટના અંતરે બે આંચકાઓ નોંધાયા હતા. મળતી માહિતી મુજબ પ્રથમ આંચકો સવારે 4:10 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ હતી. ત્યારબાદ 4:30 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા લગભગ 1 હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ તરફ આશરે 42 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ આંચકાઓ મીતીયાળા, ધજડી અને સાકરપરા ગામોમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા. ઉપરાંત ખાંભા ગીર વિસ્તારના ભાડ, વાંકિયા અને જીકિયાળી ગામોમાં પણ લોકો દ્વારા આંચકાની અસર અનુભવી હોવાનું જણાવાયું છે.
સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા મોટી નુકસાનની માહિતી સામે આવી નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘણા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai