
પાટણ, 03 માર્ચ (હિ.સ.)3 માર્ચ, 2026ના રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે પ્રજાભિમુખ શાસનના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અને મામલતદારના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં 35 ગામોના અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો હતો. અધિકારીઓએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.
કેમ્પ દરમિયાન રેશનકાર્ડ, આવકના દાખલા, આધારકાર્ડ સુધારણા સહિત વિવિધ મહેસૂલી સેવાઓની કામગીરી સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે ગ્રામજનોને તાલુકા મથકે વારંવાર જવાની તકલીફમાંથી રાહત મળી હતી.
આ કાર્યક્રમમાં સિદ્ધપુર મામલતદાર કે.કે. રાણાવાસિયા, તાલુકા વિકાસ અધિકારી, ડિડરોલ ન્યાય સમિતિના અધ્યક્ષ ગોવિંદભાઈ રાઠોડ તથા સામાજિક અગ્રણી હરગોવનભાઈ પરમાર સાથે પાટણ અને આસપાસના ગામોના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ