
સુરત, 04 માર્ચ (હિ.સ.)-સુરત શહેરમાં ધૂળેટીનો તહેવાર આ વર્ષે ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળો ઉડવા લાગી હતી. નાના બાળકો થી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ રંગો અને પિચકારીઓ સાથે એકબીજાને રંગતા “હોલી હૈ”ના નાદ સાથે તહેવારની મોજ માણતા જોવા મળ્યા હતા.
શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં ખાસ આયોજન સાથે ધૂળેટી સેલિબ્રેશન યોજાયું હતું. ફુવારા અને પાણીની વ્યવસ્થા કરીને રેઈન ડાન્સની મજા માણવામાં આવી હતી. DJના ધમાકેદાર સંગીત પર યુવાનો મન મુકીને નાચ્યા હતા, જ્યારે બાળકો રંગોની મસ્તીમાં તરબતર થયા હતા. પાણી અને રંગોથી આખું વાતાવરણ ઠંડુ અને રંગીન બની ગયું હતું. ઘણા સ્થળોએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
ઘણી સોસાયટીઓમાં રંગોની ઉજવણી બાદ સમૂહ ભોજનના કાર્યક્રમો પણ યોજાયા હતા. રહેવાસીઓએ સાથે બેસી ભોજન કરીને તહેવારની ખુશી વહેંચી અને સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આવા કાર્યક્રમોથી તહેવારની ખુશી બમણી થઈ ગઈ હતી.
શહેરના છેવાડાના વિસ્તારોમાં ફાર્મહાઉસ ધૂળેટી પાર્ટીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. યુવાનોના ગ્રુપે સંગીત, રંગ અને પાણીની મસ્તી સાથે દિવસભર ઉજવણી કરી હતી. DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો.
આ રીતે ધૂળેટીના પાવન તહેવારે સુરત શહેર માત્ર રંગોથી જ નહીં, પરંતુ લાગણીઓ અને આનંદના રંગોથી પણ રંગાઈ ગયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે