તાપી-કરજણ લિંક યોજના તૈયારઃ 73 ગામોની 54 હજાર એકર જમીનને મળશે સિંચાઈ, ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર
સુરતઃ, 03 માર્ચ (હિ.સ.)-રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 માર્ચે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદ્ગમ (લિફ્ટ) સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. અંદાજે રૂ.927 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મહત્વાકાંક્ષી યોજના આ
તાપી-કરજણ લિંક યોજના તૈયાર


સુરતઃ, 03 માર્ચ (હિ.સ.)-રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 માર્ચે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદ્ગમ (લિફ્ટ) સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. અંદાજે રૂ.927 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મહત્વાકાંક્ષી યોજના આદિવાસી વિસ્તારો માટે જીવનદાયી સાબિત થશે.

આ યોજના અમલમાં આવતાં ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 73 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. ઉમરપાડાના 51 ગામોની 35,950 એકર અને ડેડિયાપાડાના 22 ગામોની 17,800 એકર મળી આશરે 53,750 એકર જમીન સિંચાઈ હેઠળ આવશે.

લોકાર્પણ પૂર્વે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-4 તથા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.

આ યોજનામાં પાઇપલાઇન માર્ગમાં આવતા 100થી વધુ ચેકડેમ અને 35-40 કુદરતી કોતરોને પાણીથી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને બોરવેલ રિચાર્જ થશે.

ઉમરપાડા અને ડેડિયાપાડાનો વિસ્તાર ડુંગરાળ હોવાથી પરંપરાગત નહેર દ્વારા પાણી પહોંચાડવું શક્ય નહોતું. તેથી ઉકાઈ જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન દ્વારા ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજના અમલમાં આવતા ખેડૂતો વર્ષભરમાં ત્રણેય સિઝનમાં ખેતી કરી શકશે, જેનાથી સ્થળાંતર ઘટાડાશે, સ્થાનિક રોજગારી વધશે અને આદિવાસી વિસ્તારોમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande