
પાટણ, 03 માર્ચ (હિ.સ.) ચાણસ્મા તાલુકાના પિંપળગામે મંગળવાર, ૩ માર્ચે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર વિજય ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પિંપળ, ઘાણો, ઘરડા, ઝિલિયા અને રામપુરા સહિતના ગામોના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.
રાજ્ય સરકારના ‘સરકાર તમારા દ્વારે’ અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં આવા સેવા સેતુ કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને આધારકાર્ડમાં સુધારા-વધારા, નવા આધારકાર્ડ કઢાવવાની સુવિધા, આવકના દાખલા મેળવવા અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાનો છે.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, એસટી વિભાગ અને મામલતદાર કચેરીના એટીવીટી વિભાગ સહિત વિવિધ શાસકીય વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જોકે, વન વિભાગના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. આ પ્રસંગે પિંપળના સરપંચ તથા ઝિલિયા સહિતના તલાટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ