
અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુએ તાજેતરમાં કથાકાર મોરારીબાપુ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે બંને મહાનુભાવોએ ધાર્મિક, સામાજિક અને માનવ સેવા સંબંધિત વિવિધ વિષયો પર વિચારવિમર્શ કર્યો હતો.
મુલાકાત દરમિયાન ભક્તિ બાપુએ માનવ મંદિર દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મોરારી બાપુ એ આ સેવાકીય કાર્યોની પ્રશંસા કરી અને માનવ સેવા એ જ સાચી ભક્તિ હોવાનું જણાવ્યું હતું.
બંને સંતોએ સમાજમાં એકતા, શાંતિ અને સંસ્કારના મૂલ્યોને મજબૂત બનાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન આધ્યાત્મિક ઉર્જા અને સકારાત્મક સંદેશાનો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે હાજર રહેલા ભક્તોએ પણ આ પાવન મુલાકાતને અનોખો અનુભવ ગણાવ્યો હતો. આ મુલાકાતથી સમાજમાં સદભાવના અને માનવતાના મૂલ્યોને વધુ પ્રોત્સાહન મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai